સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના ગર્ભપાત મામલે સુનાવણી કરતાં માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. 15 વર્ષની એક સગીરા દુષ્કર્મનો શિકાર બની હતી અને તેને 30 અઠવાડિયાનો ગર્ભ છે. અગાઉ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતા એઈમ્સ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ગર્ભપાત કરવામાં આવે તો સગીરાને ભવિષ્યમાં શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે કોર્ટે કહ્યું કે જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ તેવું કોર્ટે સ્પષ્ટ કહ્યું છે.
કેન્દ્ર સરકારને પણ સુપ્રીમ કોર્ટનું સૂચન
આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કાયદામાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવા સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું કે દુષ્કર્મ પીડિતાઓને 20 અઠવાડિયા પછી પણ અનિચ્છનીય ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ. દુષ્કર્મ સંબંધિત કેસોની સુનાવણી એક અઠવાડિયામાં પૂર્ણ થાય તેવું આયોજન હોવું જોઈએ જેથી પીડિતાએ લાંબો સમય માનસિક ત્રાસ ન ભોગવવો પડે.
