Homeગુજરાતઅંબાજી મંદિરનો ઈતિહાસ

અંબાજી મંદિરનો ઈતિહાસ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી ધામ માઈભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર ગુજરાત અને રાજસ્થાનની સરહદે અંબાજી ધામ આવેલું છે. જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે. અંબાજી ધામ સમુદ્રની સપાટીથી ૧૫૮૦ ફૂટની ઊંચાઇ પર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે અહીં અંબિકાવન હતું.

મા આદ્યશક્તિની  51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવે તાંડવ કર્યું, ત્યારે ગબ્બર પર્વત ઉપર માતા સતીનું હ્રદય પડ્યું હતું. આરાસુર પર્વત પર આવેલું હોવાથી તેને આરાસુરી અંબે માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દક્ષ પ્રજાપતિનાં પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું. તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને બંનેના વિવાહ થયા. જે બાદ એક વખત દક્ષ પ્રજાપતિએ સભા યોજી હતી. સભામાં દક્ષ પ્રજાપતિનું આગમન થતાં તેમના સન્માનમાં બધા જ રાજાઓ ઊભા થયા, પરંતુ શિવજી સમાધિમાં લીન થઈ ગયા હોય ઊભા ન થયા. જેથી દક્ષને પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું. જે બાદ દક્ષ પ્રજાપતિએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું. જેમાં તેમણે બધા દેવો અને ગણોને આમંત્રણ આપ્યું, પરંતુ શિવને ન બોલાવ્યા.

પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં સતીએ પણ યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. શિવજીએ ના કહેવા છતાં સતી ન માન્યા અને પિતાને ત્યાં યજ્ઞમાં ગયા. પરંતુ તેમની માતા સિવાય કોઈએ તેમને આવકાર ન આપ્યો. સતીએ યજ્ઞ સ્થળનું નિરીક્ષણ કર્યું તો ત્યાં શિવજીને પણ સ્થાન આપવામાં નહોતું આવ્યું. જે વાત સતીથી સહન ન થઈ અને  ક્રોધે ભરાઈને તેમણે પોતાના શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યજ્ઞકૂંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થઈ, તો તેમણે વીરભદ્રને મોકલ્યો જેમણે યજ્ઞ મંડપનો નાશ કર્યો.  ત્યાર બાદ શિવજી પણ યજ્ઞ સ્થળે ધસી ગયા અને સતીનો અર્ધબળેલો દેહ હાથમાં લઈને તાંડવ કરવા લાગ્યા. 

શિવજીના તાંડવથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. યજ્ઞસ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓને સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ સમયે ત્યાં હાજર ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર છોડીને સતીના દેહના 51 ટુકડા કર્યા. એ ટુકડા અને આભૂષણો પૃથ્વી પર જે સ્થળોએ પડ્યા એ સ્થળોએ શક્તિપીઠનું નિર્માણ થયું. ત્યાર બાદ આ સ્થળોએ એક શક્તિ અને એક ભૈરવ લઘુસ્વરૂપે બિરાજમાન થયા. જુદા જુદા અંગો પૈકી આરાસુર પર્વત પર સતીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે.

આરાસુરી અંબાજી માતાજીના મંદિરની ગોખમાં કોઇ ચિત્ર કે પ્રતિમાની નહીં પરંતુ શ્રી વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે. નિજ મંદિરમાં રહેલા શ્રી વિસા યંત્રની સામે અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. આ ગોખ આશરે 1200 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

એક કથા પ્રમાણે ભગવાન શ્રી રામ જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા, ત્યારે અર્બુદાનાં જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા હતા.શૃંગી ઋષિએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબે માતાની આરાધના કરવા કહ્યું હતું. તેમની આરાધનાથી અંબે માતાએ પ્રસન્ન થઈને તેમને ‘અજય’ બાણ આપ્યું હતું. જે બાણ થકી શ્રી રામે રાવણનો વધ કર્યો હોવાની માન્યતા છે.

ભગવાન શ્રીકૃષ્ણના વાળ ઉતારવાની વિધિ પણ આરાસુરમાં અંબે માતાના ધામમાં થઈ હોવાનું માનવામાં આવે છે. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી તેઓ અંબાજીમાં રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનું પણ કહેવામાં આવે છે.

આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્યશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે, અંબાજીથી થોડે દૂર  ગબ્બરના પર્વતમાં આવેલી ગુફામાં અંબે માતાનું આદિસ્થાન હોવાનું મનાય છે.

અંબાજીમાં વર્ષમાં આવતી આસો, ચૈત્ર, મહા અને અષાઢમાં આવતી ચારેય નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે.ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણી કરવામાં આવે છે.ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે રાસ-ગરબા રમે છે.

ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વર્ષના દિવસોમાં એકમથી પાંચમ સુધી માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ લાખો દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. દર મહિનાની પૂનમે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે.

ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આ તીર્થસ્થળના દર્શન કરે છે.

RELATED ARTICLES

Most Popular